પંકજ પંડિત
પાણી પુરવઠા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસની માંગ કરાઈઝાલોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલ ગામોમાં નલ સે જલ યોજનામાં થયેલ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર ને નિષ્પક્ષ રીતે તપાસ કરી પ્રત્યેક ઘર સુધી પાણી વહેલી તકે પહોંચે તે માટે એક લેખિત અરજી પાણી પુરવઠા કચેરી અને પ્રાંત અધિકારીને ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.આજરોજ તારીખ 04-03-2025 મંગળવારના રોજ ઝાલોદ તાલુકામા સમાવિષ્ટ અલગ અલગ ગામોના આગેવાનો દ્વારા નલ સે જલ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર વિશે તપાસ કરવા માટે લેખિત અરજી આપવામાં આવી હતી. ઝાલોદ તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો વિસ્તાર છે આ તાલુકામાં આવેલ ગામડાઓમાં આદિવાસી સમાજના લોકો વધુ વસે છે. આ તાલુકામાં અંદાજીત 110 ગામડાઓમા બે લાખ જેટલી આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘરે ઘરે પાણી પહોંચે તે માટે નલ સે જલ યોજના ચાલુ કરવામાં આવી હતી અને આ માટે સરકાર દ્વારા કરોડો રૃપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં આવેલ હોવા છતાંય આ યોજનાનો લાભ છેવાડે વસતા આદિવાસી સમાજ ને મળેલ નથી. વિવિધ ગામના આગેવાનો દ્વારા વાસ્મોની વેબસાઈટ પરથી તમામ ગામની કામગીરી 2022 મા પૂર્ણ થયેલ ફોટાઓ અરજી સાથે જોડી બતાવેલ હતા અને જે તે સ્થળે આ યોજનાની કોઈ નક્કર કામગીરી નથી થઈ તેમજ 90% ગામોમાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી. જો સરકાર આ યોજના પૂર્ણ થયેલ હોવાના દાવા આ વિસ્તાર માટે કરતી હોય તો સરકારને વિવિધ એજન્સીઓ દ્વારા જે કામગીરી કરેલ છે તે ભ્રષ્ટાચાર થયેલ છે અને ખોટા દસ્તાવેજો આપી કાગળ પર દર્શાવી વિવિધ ગામોના આ યોજનાના રૂપિયા વિવિધ એજન્સીઓ દ્વારા ચાંઉ કરી લેવામાં આવેલ છે.સરકાર દ્વારા આ યોજના પૂર્ણ કરવા માટે વાસ્મો એજન્સીને જવાબદારી સોંપવામાં આવેલ હતી પરંતુ કોઇ વિસ્તારમાં નલ સે જલ યોજનાની નક્કર કામગીરી જોવા મળતી નથી તો આ યોજનામાં કામગીરી કરતી એજન્સીઓ તેમજ વિવિધ અધિકારીઓ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી સરકારી રૂપિયા ઉપાડી ભ્રષ્ટાચાર કર્યા હોવાની લેખિત અરજી દ્વારા આ અંગે ઝાલોદ તાલુકામાં સમાવિષ્ટ વિવિધ ગામોમાં તપાસ કરી જવાબદાર કર્મચારી અને અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી હતી. આગામી પંદર દિવસમાં જો યોગ્ય કામગીરી કરી તપાસ કરવામાં નહીં આવે અને 01-05-2024 સુધી નલ સે જલ યોજના થકી સુદ્ધ પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલ હતી.

