સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ
ગોધરાના લાલબાગ એસ.ટી.સ્ટેન્ડ થી પ્રભા કોતર સુધી ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોડેલીની જાહેરસભાના મંચ ઉપરથી ઈ-ખાતમૂર્હત કરતા ગોધરા નગરના શહેરીજનો અને ખુદ ભા.જ.પ. સમૂહમાં માથુ ખજોરતા રહી ગયા.

કારણ કે ગોધરા લાલબાગ એસ.ટી.સ્ટેન્ડ ખાતે ફ્લાય ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યાઓથી શહેરીજનોને મુક્ત કરાવવામાં આવશે ની જાહેરાત સાથે ગુજરાત સરકારના તત્કાલીન સમયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ ગોધરા ખાતે લાલબાગ એસ.ટી. સ્ટેન્ડ ખાતેથી ઓવરબ્રીજ બનાવવાની જાહેરાત સાથે ખાતમુર્હત કરાયું હતું. ત્યારબાદ ૨૧ મહિનાઓ વિતીગયા બાદ આજરોજ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વધુ એક વખત આજ ઓવરબ્રિજનું ઈ-ખાતમુર્હત કરવામાં આવતા શહેરીજનો પણ ચર્ચાઓ સાથે માથું ખંજવાળતા થઈ ગયા હતા!!
છોટાઉદેપુરના બોડેલી ખાતે યોજાયેલી સભામાંથી આ ફ્લાયઓવર બ્રીજનુ ઈ-ખાતમુર્હત કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને સાંસદ રતનસિંહ રાઠોડ સહિત ભાજપના આગેવાનો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

શહેરમા દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે ખાસ કરીને દાહોદ રોડ પર પણ આ પરિસ્થિતી થવા પામી છે. હાલમાં ભુરાવાવ વિસ્તારમાં ફલાય ઓવર બનાવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ગોધરા –દાહોદ રોડ પર ફલાય ઓવર રોડ પણ બનવાનો છે. જે થાય તે સારુ થાય પણ લોકોના ટેક્સના પૈસાનો ધુમાડો તો થાય જ છે તે તો સ્વિકારવાનું જ રહ્યું !!

