પંકજ પંડિત
મહામંડલેશ્વર મહંત યોગી લોકેશ નાથ દ્વારા બીજો સુંદરકાંડ પાઠ યોજાયોધારાસભ્ય મહેશ ભૂરીયા સહિત મોટા પ્રમાણમાં લોકોએ સુંદરકાંડ પાઠ સાથે સંતોના આશીર્વાદ લીધામહામંડલેશ્વર મહંત યોગી લોકેશ નાથ દ્વારા ત્રણ પ્રદેશોમા ભક્તિની અદ્ભુત યાત્રા યોજવામાં આવી રહેલ છે. આ યાત્રા ત્રણ પ્રદેશોમાં જનાર છે તેમજ આ યાત્રા દરમિયાન 108 સુંદરકાંડ પાઠ કરવામાં આવનાર છે. 108 સુંદરકાંડ પાઠ કરી રામ શબરી મિલન સમારોહ કરી સંતો દ્વારા મહાસભા યોજવામાં આવનાર છે. યોગી લોકેશ નાથ દ્વારા ઝાલોદ તાલુકાના કંબોઈ ધામ ખાતે બીજો સુંદરકાંડ પાઠ યોજાયો હતો.
શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં પધારેલ સંતોનુ સ્વાગત ધારાસભ્ય મહેશ ભૂરીયા સહિત આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. સુંદરકાંડના પાઠ કરવાથી નકારાત્મક વિચારો સમાપ્ત થતા હોય છે તેમજ આત્મ વિશ્વાસ વધે છે. સુંદરકાંડના પાઠ કરવાથી તેમજ સાંભળવા થી વ્યક્તિને જીવનમાં સફળતા જરૂર મળે છે. તુલસીદાસના રામ ચરિત માનસમા કુલ સાત અધ્યાયો છે તેમાંથી સૌથી મહત્વનો અધ્યાય સુંદરકાંડ પાઠ માનવામાં આવે છે.
આજરોજ પધારેલ દિવ્ય સંતો દ્વારા કરવામાં આવેલ સંગીતમય સુંદરકાંડ પાઠનો લ્હાવો તેમજ સંત સત્સંગનો લાભ લઈ ઉપસ્થિત સહુ સનાતન ધર્મ સાથે જોડાયેલ દરેક હિન્દુઓ ધન્ય બનેલ હતા. સંતોની દિવ્ય વાણીએ ઉપસ્થિત સહુ લોકોને ભક્તિના માર્ગ પર ચાલવા અનુરોધ કર્યો હતો. આ 108 સુંદરકાંડ મહાયાત્રાનો મુખ્ય ઉદ્દેશ આજના ભટકી ગયેલ લોકોને ધર્મ તરફ વાળવા તેમજ ધર્મ ધ્વજા લહેરાતી રહે તે હતો. ઉપસ્થિત સહુ સંતોના મુખે ભવ્ય સુંદરકાંડના પાઠ, દિવ્ય વાણીનો લાભ તેમજ સંતોના આશીર્વાદ લઈ ઉપસ્થિત સહુ લોકો ધન્યતા અનુભવ કરતા હતા.

